ગુજરાત વિધાનસભામાં સભ્ય એવા જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે બુધવારે મધરાતે ધરપકડ કરી છે. ઉપલબ્ધ વિગત અનુસાર મેવાણી પાલનપુર ખાતે સર્કિટ હાઉસમાં રોકાયા હતા ત્યારે આસામ પોલીસે તેની અટકાયત કરી, ગુવાહાટી લઈ જવા માટે તજવીજ હાથ ધરી છે.
મેવાણીના ટેકેદારોએ જણાવ્યું કે, કયા કારણોસર કે કઈ ફરિયાદમાં તેમને પકડવામાં આવ્યા છે તે અંગે કોઇ વિગત નથી. આસામ પોલીસે આ અંગે કોઈ ફરિયાદ કે કાગળ મેવાણીના સમર્થકોને આપ્યા નથી.
સોશિયલ મીડિયા ઉપર આસામ ખાતે કરવામાં આવેલી ફરિયાદ વાયરલ થઈ છે. આ ફરિયાદમાં તા. ૧૮/૦૪/૨૦૨૨ જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાનને સંબોધન કરી એક મેસેજ કર્યો હતો.
મેવાણીના સમર્થનમાં મધરાત્રે કોગ્રેસના નેતાઓ સમર્થનમાં પહોંચ્યા હતા. કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. તેઓએ જીજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસના વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. બીજી તરફ મેવાણીના વકીલ પરેશ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે આ ટ્વીટ મામલે ફરિયાદ કરાઈ છે. સીઆરપીસી ૮૦ નો ભંગ કરી ધરપકડ કરાઈ છે. ધારાસભ્યની અટકાયત પહેલા અધ્યક્ષની પરમિશન લીધી હોવાની અમને જાણ કરાઇ નથી.