સૌરાષ્ટ્રમાં ઉનાળો શરુ થતા જ પાણીનો પોકાર શરુ થઇ જાય છે. જો કે સૌથી વધુ ડેમ ૧૪૧ ડેમ સૌરાષ્ટ્રમાં જ આવેલા છે તેમ છતાં પીવાના પાણીની અછત સર્જાય છે. ચોમાસામાં તો તમામ ડેમ ઓવરફ્લો થઇ જાય છે પરંતુ કોણ જાણે કેમ ઉનાળો આવતા પાણીની પારાયણ શરુ થઇ જાય છે. તેમાં પણ ખાસ કરીને રાજકોટમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાય છે. તેવામાં રાજકોટમાં નવા ડેમ બનાવવાની વિચારણા છે.
રાજકોટમાં વર્ષોથી પાણીની અછતનો સામનો કરતું આવ્યુછે. હાલ પણ સ્થિતિ કંઇ વખાણવા લાયક નથી. વધતી જતી વસ્તી સામે પાલિકા પાસે મોટો જળસ્ત્રોત ન હોવાથી આજે પણ પીવાના પાણીની બૂમો સાંભળવા મળે છે. આ વચ્ચે પીવાના પાણીની કાયમી સમસ્યાના નિરાકરણ માટે નવા બે ડેમ રાજકોટમાં બનાવવાની વિચારણ ચાલી રહી છે. એક બામણબોર પાસે અને બીજો આજી ડેમ પાસે બનાવાશે.
રાજકોટના કલેકટરે જણાવ્યું હતું કે પાણી પુરવઠા બોર્ડ અને સિંચાઇ વિભાગ સાથે આ સંદર્ભે વાતચીત થઇ છે. ભાવનગર રોડ પર આજી ડેમથી આગળ તરફના વિસ્તારમાં અને બામણબોર એમ બે સાઈટ વિચારણામાં છે. તેમાંથી કોઈ એકની પસંદગી કરીને સરકારમાં વિધિવત દરખાસ્ત કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં પાણીની સ્થિતિ અંગે સોમવારે જિલ્લા પાણી કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ડેમ બનાવવા અંગે નિર્ણય લેવામાં આવશે. નિષ્ણાંતોના અભિપ્રાયો મેળવ્યા બાદ જ આ અંગે સરકારમાં દરખાસ્ત કરાશે.
રાજકોટ આજી ૧, ન્યારી ૧ અને ભાદર ૧ પર નિર્ભર છે. આ ડેમોમાંથી રાજકોટ વાસીઓને પાણી આપવામાં આવે છે. હાલ મળતી માહિતી મુજબ રાજકોટમાં ઑગષ્ટ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. સૌની યોજના અંતર્ગત જરુરિયાત મુજબ પાણી આપવામાં આવે છે.