EVમાં કેમ લાગી રહી છે આગ? નીતિન ગડકરીએ જણાવ્યું કારણ

ઇલેક્ટ્રિક ટુ વ્હિલર વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ મંગળવારે કંપનીઓને વિનંતી કરી કે તેઓ આ મુદ્દાને લઈને કાર્યવાહી કરે. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ઉનાળામાં ગરમી સતત વધતી હોય છે, ત્યારે ઈવી બેટરીમાં સમસ્યા સર્જાય છે. માર્ગ અને પરિવહન મંત્રીએ આ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે, દેશમાં ઈવી ઉદ્યોગ હાલમાં જ શરૂ થયો છે અને સરકાર તેમાં કોઈ પ્રકારની બાધા નાખવા માંગતી નથી.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કહ્યું કે, સરકાર માટે પ્રથમ પ્રાથમિકતા સામાન્ય લોકોની સુરક્ષા છે. ગડકરીએ રાયસીના સંવાદમાં કહ્યું કે, સરકાર માટે સુરક્ષા પ્રાથમિકતા છે અને આ બાબતે માનવ જીવન સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહી. તાજેતરમાં ઈલેક્ટ્રિક વાહનો (EVs)માં સતત આગ લાગવાને કારણે લોકોના મૃત્યુ અને ગંભીર ઈજાઓ થવાના બનાવોને લઈને તેમનુ આ નિવેદન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

સંવાદ સત્ર દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે, કંપનીઓ વાહનોના તમામ ખામીયુક્ત બેચને તાત્કાલિક પાછા બોલાવવા માટે આગળની કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું, માર્ચ, એપ્રિલ અને મે માં તાપમાન વધે છે, પછી બેટરી (EVs)માં થોડી સમસ્યા થાય છે. મને લાગે છે કે તે તાપમાનની સમસ્યા છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે કહ્યું કે, સરકાર ઇલેક્ટ્રિક વાહનોને લોકપ્રિય બનાવવા માંગે છે.

નીતિન  ગડકરીએ ભારપૂર્વક કહ્યું, અમે સમજીએ છીએ કે ઇવી ઉદ્યોગ હમણાં જ શરૂ થયો છે. અમે કોઈ અડચણ ઉભી કરવા માંગતા નથી. પરંતુ સરકાર માટે સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને માનવ જીવન સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. ગયા અઠવાડિયે કેન્દ્રીય પ્રધાને ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને EV ઉત્પાદકોને તેમના ખામીયુક્ત વાહનોને તાત્કાલિક પાછા લેવા કહ્યું હતું.

નીતિન ગડકરીએ ૨૧ એપ્રિલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ટુ વ્હીલર EVને લગતા ઘણા અકસ્માતો થયા છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ અકસ્માતોમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો અને ઘણા ઈજાગ્રસ્ત પણ થયા છે. જો EV ઉત્પાદકે કંઈપણ ખોટું કર્યું હોવાનું જોવા મળશે તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે અને તેને તમામ વાહનો પાછા લેવાનો આદેશ પણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *