ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પૂર્વ સીએમ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા જેમાં તેમણે સુરત શહેરની પુનરાવર્તિત વિકાસ યોજનામાં કોઈપણ કાયદા કે અધિકાર વિના ભારતીય જનતા પાર્ટીની સરકારના તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેટલાક અધિકારીઓએ મુસદ્દારૂપ યોજનામાં કાયદા મુજબનાં ૨૦૧ રીઝર્વેશનોના ૧,૬૬,૧૧,૪૭૬ ચો.મી. જમીનમાંથી ૧૧૨ રીઝર્વેશન હટાવીને ૯૦,૭૯,૩૬૯ ચો.મીજમીન બિલ્ડર માલીકોને પધરાવીને રૂ. ૨૭ હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ બીજેપીને સવાલ કરતા જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચારના નાણામાંથી કેટલા નાણાં કેટલા કોના ખિસ્સામાં ગયા અને કેટલા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં વપરાયા તેની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજના અધ્યક્ષપદ હેઠળ તપાસ થવી જોઈએ. આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને પ્રતિક્રિયા આપી હતી.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે મારી લોકપ્રિયતાને જોઈને કોંગ્રેસ મારા પર ખોટા આક્ષેપ કરે છે. આ આક્ષેપો સત્યથી વેગળા છે. તો વધુમાં જણાવ્યું કે સુરત અર્બન ઓથોરીટીની સ્થાપના ૧૯૭૮માં થઇ હતી. રિઝર્વેશન મતલબ એ નથી કે જમીન આપણી થઈ ગઈ. ૧૮૨ પ્લોટ ૧૯૮૬માં રિઝર્વ કરવામાં આવ્યા હતા. પ્રથમ વખત ૨૦૦૪માં રિવાઇઝ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ૮ ઓક્ટોબરમાં ફરીથી પ્લોટ રિવાઇઝ કરાયા હતા. ૧૯૮૬ થી ૨૦૨૦ સુધી કોઇ વધુ પ્રક્રિયા થઇ નથી. બીજી વખત રિવાઇઝમાં ૨૦૧ પ્લોટની ૧૬૬૧ હેક્ટર જમીન રિઝર્વ કરાઇ હતી. આ અંગે અધિકારીઓ સાથે તમામ બાબતો પર ચર્ચા થઇ હતી.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમેરિકા હતા તે સમયે ૨૨ ફેબ્રુઆરીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. રાજકોટમાં જમીન ઝોન ફેરમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ નેતાઓએ ૫૦૦ કરોડની જમીન કૌભાંડ થયું હોવાનો આરોપ કર્યો હતો. આ મામલે ૨ માર્ચે એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે બદનક્ષી બદલ કોંગ્રેસ નેતાઓને નોટીસ મોકલવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, કોંગ્રેસના ખોટા આરોપોથી પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું છે, આથી ૧૫ દિવસની અંદર લેખિતમાં માફી માગે અને તમામ આરોપ પરત ખેંચી લે. લેખિત માફી તમામ મીડિયાને મોકલી આપે નહીં તો કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવામાં આવશે. આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય તેવી દલીલો કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કરી આઈ.પી.સી.કલમ ૫૦૦, ૧૧૪ અન્વયેના ગુનાની કાર્યવાહી ચલાવવા અને ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ ૨૦૪ હેઠળ ફોજદારી કેસ નોંધી સમન્સ ઈશ્યુ કરી તમામને કોર્ટમા હાજર રહેવા આદેશ આપ્યો હતો.