પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ૧૨:૦૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્દઘાટન કરશે.પાટીદાર સમુદાયના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવા માટે સરદારધામ ‘મિશન ૨૦૨૬’ હેઠળ GPBSનું આયોજન કરી રહ્યું છે. દર ૨ વર્ષે સમિટનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ ૨ સમિટ ૨૦૧૮ અને ૨૦૨૦માં ગાંધીનગરમાં યોજાઈ હતી અને વર્તમાન સમિટ હવે સુરતમાં યોજાઈ રહી છે. GPBS ૨૦૨૨ની મુખ્ય થીમ છે “આત્મનિર્ભર કોમ્યુનિટી ટુ આત્મનિર્ભર ગુજરાત અને ભારત”.
સમિટનો હેતુ સમુદાયમાં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને એકસાથે લાવવાનો છે; નવા ઉદ્યોગસાહસિકોનો વિકાસ અને તેમને સમર્થન આપવું અને શિક્ષિત યુવાનોને તાલીમ અને રોજગાર સહાય પૂરી પાડવાનો છે. ૨૯/૦૪/૨૦૨૨મી થી ૦૧/૦૫/૨૦૨૨ દરમિયાન આયોજિત થનારી ત્રિદિવસીય સમિટમાં સરકારની ઔદ્યોગિક નીતિ, MSME, સ્ટાર્ટ-અપ્સ, ઈનોવેશન વગેરેના વિવિધ પાસાઓ આવરી લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલ અને સાંસદ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સહિતના આગેવાનો આ પ્રસંગે હાજર રહેશે. આજથી પહેલી મે સુધી ત્રણ દિવસ દરમિયાન ૧૫ થી વધુ સેશનમાં નિષ્ણાત વક્તાઓ પોતાના વક્તવ્ય આપશે.