ભારતીય રેલવે દ્વારા હંમેશા મુસાફરોની સુવિધા વધે તે પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે. ક્યારેક ટ્રેનની સંખ્યામાં વધારો તો ક્યારેક કોચ વધારવામાં આવે છે. ટ્રેનોમાં મળતી ફેસિલીટીને લઇને પણ ભારતીય રેલવે મુસાફરોની ખાસ સંભાળ રાખે છે. ત્યારે વધુ એકવાર રેલવે મુસાફરોની સુવિધા માટે ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ ચાર જોડી ટ્રેનોમાં મુસાફરોની સુવિધા માટે અલગ-અલગ વર્ગોમાં અસ્થાયી કોચ વધારવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી રાજ્યો વચ્ચે સંચાલિત છે.
વધારાના અસ્થાયી કોચના ઉમેરા સાથે મુસાફરોને આ રાજ્યોના મુખ્ય શહેરોમાં મુસાફરી કરવા માટે વધુ બર્થ ઉપલબ્ધ થશે. મુસાફરોની ટ્રેનની મુસાફરી સરળ અને આરામદાયક હશે. ઉત્તર પશ્ચિમ રેલ્વેના પ્રવક્તા કેપ્ટન શશિ કિરણના જણાવ્યા મુજબ, મુસાફરોની સુવિધા માટે રેલ્વે દ્વારા ૪ જોડી રેલ સેવાઓના કોચમાં અસ્થાયી કોચની સંખ્યામાં વધારો કરી રહી છે.