ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં ૪૩ ડિગ્રી, સુરતમાં ૩૬ ડિગ્રી, વડોદરામાં ૪૩ ડિગ્રી, રાજકોટમાં ૪૦ ડિગ્રી, દિલ્હીમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉત્તર / પશ્ચિમ દિશાથી આવતા પવનના પગલે અમદાવાદમાં ૧૦ વર્ષનું સર્વાધિક ૪૪.૨ સે.તાપમાન નોંધાયું હતુ.
આકાશમાંથી સૂર્ય સતત અગ્નિ વરસાવી રહ્યો છે. તાપમાનમાં વધારો અને ગરમ પવનને કારણે લગભગ સમગ્ર ઉત્તર ભારત કાળઝાળ ગરમીની ઝપેટમાં આવી ગયું છે. સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશનાં બુંદેલખંડના બાંદા જિલ્લામાં નોંધાયું છે. અહીં તાપમાનનો પારો ૪૭ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. દિલ્હી, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશમાં તાપમાન સામાન્ય કરતાં ૪ ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે વધતા ગરમીના તાપમાનને લીધે લોકોએ ત્રાહિમામ પોકારી છે. એપ્રિલ મહિનામાં જ અસહ્ય ગરમીનો તાપમાન અને બફારામાં વધારો થયો છે.