પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ૩ દિવસીય યુરોપના પ્રવાસમાં ફ્રાન્સથી સ્વદેશ પરત આવવા રવાના થયા છે. યુરોપના પ્રવાસના અંતિમ તબક્કામાં ફ્રાન્સ પહોચીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે આત્મીયતા જોવા મળી હતી.
પ્રધાનમંત્રી મોદી તેમજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે બેઠક યોજાઇ હતી. બન્ને નેતાઓ વચ્ચે પરસ્પરના હિતો સાથે જોડાયેલા મુદાઓ સાથે ક્ષેત્રિય અને વૈશ્વીક મુદે વાતચીત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના પ્રવાસને સફળ બતાવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે, મારો ફ્રાન્સનો પ્રવાસ ફળદાયક રહ્યો છે. રાષ્ટ્રપતિ મેક્રો અને સાથે વિવિધ મુદે ચર્ચા કરી હતી. ઉમળકાભેર આવકાર માટે હું રાષ્ટ્રપતિ મેક્રો અને ફ્રાન્સ સરકારનો આભારી છું.
બન્ને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અંગે વિદેશ સચિવે કહ્યું હતું કે, બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ સહિત તમામ મુદ્દે વાતચીત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે યુક્રેન સંકટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ફ્રાન્સ પહોંચતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી પેરીસમાં તેમની હોટલે પહોચ્યા હતાં ત્યારે પ્રવાસી ભારતીયોએ તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું. આ પહેલાં પ્રધાનમંત્રીએ જર્મની તેમજ ડેનમાર્કની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચેની બેઠકમાં યુક્રેન સંકટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બન્ને નેતાઓએ બદલાતી પરિસ્થિતિમાં રચનાત્મક ભુમિકા ભજવવા ભારત અને ફ્રાન્સ વચ્ચે સહયોગ હાથધરવા માટે સંમત્તિ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને ભારત આવવા આમંત્રણ પાઠવ્યું હતું.