ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈના ગ્રેડ પે ઓછા છે. જે વધારવાની પોલીસ કર્મીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં આંદોલન પણ ચાલ્યા છે. તેવા સંજોગો વચ્ચે હવે સરકાર એક્શનમાં આવી હોય તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તત્કાલીક બેઠક બોલાવી છે જેમાં ગ્રેડ પે મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. આ બેઠકમાં DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ગૃહ વિભગના સચિવ સહિતના પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને ૧,૮૦૦ રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને ૨,૨૦૦ ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને ૨.૪૦૦, કોન્સ્ટેબલને ૨.૮૦૦ મળે તો કોન્સ્ટેબલને ૩૩,૦૦૦ પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને ૩,૬૦૦ ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે અને ગ્રેડ પે અમારો અધિકાર તેવી પોસ્ટ માંરફતે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું.
પોલીસ કર્મીચારીઓના ગ્રેડ પે વધારવાની માંગના મુદાને લઈને સરકાર નિર્ણય લેવાના મૂડમાં હોય તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠક બોલાવી છે. આ બેઠકમાં DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં જોડાશે. મહત્વનું છે કે ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મામલે અગાઉ આંદોલનમાં ગાંધીનગરમાં વિધાનસભા ગેટ નં-૬ પર પોલીસ પરિવારની મહિલાઓ એકઠી થઇ હતી. ત્યારબાદ પોલીસ પરિવારની મહિલાઓએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી. જેમાં રાજ્ય સરકારે આ માંગ મામલે સકારાત્મક જવાબ આપ્યો હતો અને રાજ્ય સરકાર કમિટીની રચના કરશે તેવી જાહેરાત કરી હતી . સરકારની કમિટી ગઠનની જાહેરાત સાથે જે તે સમયે સરકાર અને પોલીસ વડાના સકારાત્મક વલણથી આંદોલનની આગ શાંત પડી હતી. હવે કમિટીના સભ્યો દરેક પાસા પર ગહન વિચાર કરી પોલીસકર્મીની માગ અને શું રાહત આપી શકાય તે અંગે બેઠકમાં કમિટીના અહેવાલ અંગે સબંધિત વિભાગ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવ્યાં બાદ નિર્ણય લેવામાં આવે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.