હવામાન વિભાગ દ્વારા રાજકોટ અને જામનગરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં અને હળવા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. રાજ્યના ૭ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચ્યો હતો. જે અંતર્ગત અમદાવાદમાં સૌથી વધુ ૪૧. ૬ ડિગ્રી, રાજકોટમાં ૪૧.૩ ડિગ્રી, જૂનાગઢ- / ગાંધીનગર / અમરેલીમાં ૪૦.૬ ડિગ્રી, ભુજમાં ૪૦.૪ ડિગ્રી, વડોદરામાં ૪૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
બંગાળની ખાડી પર ચક્રવાતની આગાહી કરવામાં આવી છે જેને કારણે ઓડિશાના ૧૮ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૪૮ કલાકમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
સરકારે NDRFની ટીમ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ અને ફાયર સેફ્ટી ટીમને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે ચક્રવાત ના કારણે માછીમારોને ૦૮/૦૫/૨૦૨૨ સુધી અંદામાન ના દરિયા કિનારે અને બંગાળની ખાડી ક્ષેત્રમાં નહીં જવા માટે આદેશ આપ્યો છે.