પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે હીટવેવ મેનેજમેન્ટ અને ચોમાસા માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં હવામાન વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ દેશભરમાં માર્ચ થી મે દરમિયાન પ્રવર્તતા ઊંચા તાપમાન વિશે માહિતી આપી હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપવામાં આવી હતી કે, તેઓ રાજ્ય, જિલ્લા અને શહેર સ્તરે એક નિયત કાર્યવાહી તરીકે હીટ એક્શન પ્લાન તૈયાર કરે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની તૈયારીઓ અંગે રાજ્યોને પૂર માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને પણ પૂરગ્રસ્ત રાજ્યોમાં તૈનાતની યોજના બનાવવા માટે કહેવામાં આવ્યું હતુ. પ્રધાનમંત્રીએ લુને કારણે લોકોને મૃત્યુથી બચાવવા અને આગની ઘટનાઓને રોકવા માટે તમામ સંભવિત પગલાં લેવા જણાવ્યું હતું. તેમણે ચોમાસાને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની ગુણવત્તા પર દેખરેખ રાખવાની વ્યવસ્થા કરવા પણ નિર્દેશ આપ્યો હતો.
આ તમામ પગલાં માટે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, વડાપ્રધાનના સલાહકારો, કેબિનેટ સચિવો અને ગૃહ, આરોગ્ય અને જળ ઊર્જા મંત્રાલયોના સચિવો અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, હવામાન વિભાગ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના મહાનિર્દેશકોએ હાજરી આપી હતી.