ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે આપેલા એક ચુકાદાથી મકાન ખરીદનારાઓને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા GSTમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં .
છેલ્લા કેટલાક સમયથી બિલ્ડર દ્વારા પ્લોટીંગ સ્કીમ અને જમીન વેચાણ ઉપર GST લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. GSTના ડરથી બિલ્ડરો દ્વારા જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી ૧૨% અને ૫%ના દરે GST ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા. કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત ૩૩% ગણી બાકીની રકમ ઉપર એટલે કે ૬૬% ઉપર GST લાગે તેવો પરિપત્ર કર્યો હતો. જેને લઇને એક અરજીકર્તાએ GSTના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
અરજીકર્તાએ ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા જમીનની કિંમત ૩૩% કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દે કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૩૩% જમીનની કિંમત ગણી GSTમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના ૩૩% ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ GST વસુલી શકાશે.