ઘણા સમયથી આપઘાત અને હત્યાના બનાવો વઘી રહ્યા છે. આ ઉપરાંત દુષ્કર્મના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને સુરતમાં ક્રાઇમ રેટ વધી ગયો છે. ત્યારે સુરતના તાપીમાં મઘર્સ ડેના દિવસે કરુણાંતિક સર્જાઇ હતી. સુરતમાં એક જ પરિવારમાં એવી ઘટના બની કે પરિવારના સભ્યો પર આભ તૂટી પડ્યું. કારણ કે તાપી નદીમાંથી માતા અને પુત્રીનો મૃતદેહ મળી આવતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઇ.
સુરતના નાનપુરા વિસ્તારમાં માતા અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. સુરતના ડચ ગાર્ડન પાસેથી તાપી નદીમાંથી માતા અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો. રવિવારે સાંજે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહ ડિકમ્પોઝ્ડ થયેલી હાલતમાં મળી આવ્યા હતા. ચાર દિવસ પહેલા માતા- પુત્રીએ નદીમાં આપઘાત કર્યો હોવાની શંકા સેવાઇ છે. હાલ પોલીસ દ્વારા બંનેના સેમ્પલ લઇને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાછે. રાંદેર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
રાંદેર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરતા સામે આવ્યું છે કે પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે. તેઓ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહે છે. કોરોના કાળમાં ૭ થી ૮ લાખ રુપિયાનું દેવુ થઇ ગયું હતું. પરિણીતાનો પતિ ઇલેક્ટ્રીશ્યનનું કામ કરતો હતો. દેવુ ભરપાઇ કરવા માટે જમીન વેચવા કાઢી હતી આથી મનદુઃખ થઇ આવતા પરિણીતાએ ૧૮ મહિનાની દિકરી સાથે તાપી નદીમાં મોતને વ્હાલુ કર્યુ હતું. તાપી નદીમાં મહિલાએ કમરમાં દુપટ્ટાથી પોતાની પુત્રીને બાંધીને મોતની છલાંગ મારી હતી.