રાજ્યમાં સરકારે કૃષિ ક્ષેત્રે કરેલા મહત્વના નિર્ણય અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલી APMCમાં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલો, ૨ રૂપિયાની આર્થિક સહાય કરવાનો નિર્ણય કર્યો છે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકારે ૧૦૦ કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી છે.
કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ કેન્દ્ર સરકારે ૪.૬૫ લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવા મંજૂરી આપી હતી. જો કે,રાજ્ય સરકારની રજૂઆતના કારણે કેન્દ્ર સરકારે ૫.૩૬ લાખ મેટ્રિક ટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ૩,૩૮,૭૭૭ ખેડૂતોને સમાન રીતે પૂરતી તક આપીને ૨,૮૦૪ કરોડ રૂપિયા જેટલી રકમના ચણાની ટેકાના ભાવે ખરીદી કરી શકાશે.રાજ્યમાં આ ખરીદી ૨૯/૦૫/૨૦૨૨ સુધી ચાલુ રહેશે.