જાણીતા સંતૂર વાદક અને સંગીતકાર પંડિત શિવકુમાર શર્માનું આજે સવારે મુંબઈમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. તેઓ ૮૪વર્ષના હતા અને છેલ્લા છ મહિનાથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા. તેમનો જન્મ ૧૩/૦૧/૧૯૩૮ના રોજ જમ્મુમાં થયો હતો. પંડિત શિવકુમારે પાંચ વર્ષની ઉંમરે તબલા અને ૧૩ વર્ષની ઉંમરે સંતૂર વગાડવાનું શરૂ કર્યું હતું. તેઓએ પોતાની પહેલી પ્રસ્તુતિ વર્ષ ૧૯૫૫માં મુંબઇમાં રજૂ કરી હતી. વર્ષ ૧૯૬૦માં તેમનું પ્રથમ સોલો આલ્બમ રેકોર્ડ કર્યું હતું. તેમણે ૧૯૫૬માં શાંતારામની ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’ના એક દૃશ્ય માટે બેકગ્રાઉન્ડ મ્યુઝીકની રચના કરી હતી. તેમણે જાણીતા વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા સાથે ‘સિલસિલા’, ‘લમ્હે’ અને ‘ચાંદની’ જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. બોલીવુડમાં શિવ – હરી (શિવકુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસીયા) ની જોડીએ એક સમયે ખુબ ધમાલ મચાવી હતી. પંડિત શિવ કુમાર શર્માને વર્ષ ૧૯૮૬માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૯૧માં પદ્મશ્રી અને ૨૦૦૧માં પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સંગીતકાર પંડિત શિવકુમાર શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું કે, પંડિત શિવકુમાર શર્માએ સંતૂરને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું અને તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. પંડિત શિવકુમાર સાથેની તેમની વાતચીતને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમના નિધનથી સંગીત જગતને મોટી ખોટ પડી છે.