વિશ્વમાં કોરોના કેસોની સંખ્યા વધીને ૫૧.૯૭ કરોડને પાર થઇ ગઇ છે જ્યારે ૬૨.૮૪ લાખથી વધુ દર્દીના મૃત્યુ નોંધાયા છે અને ૪૭.૪૪ કરોડથી વધુ દર્દી સ્વસ્થ થઇ ગયા છે. અમેરિકામાં કોરોના સંક્રમણની સૌથી વધુ ગંભીર અસર દેખાઇ રહી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૮ કરોડ ૪૦ લાખથી વધુ કેસ નોંધાયા છે અને ૧૦ લાખ ૨૬ હજારથી વધુ દર્દીઓની મૃત્યુ થયા છે. હાલમાં દૈનિક ૮૦ હજારથી વધુ કેસ અમેરિકામાં આવી રહ્યા છે અને સરેરાશ ૧૦૦ જેટલાં દૈનિક મૃત્યુ નોંધાઇ રહ્યા છે. વ્હાઇટ હાઉસ રિસ્પોન્સ કોઓર્ડિનેટર આશિષ ઝાએ જણાવ્યું હતું કે, અમેરિકા હાલ કોરોના પડકારોનો સામનો કરી રહ્યું છે. જો કે, અમેરિકામાં બે વર્ષમાં સ્થિતિમાં સુધારો થયો છે પણ હજુ દેશ મહામારીના તબક્કામાં જ છે.
બીજી તરફ ઉત્તર કોરિયાએ તેના પ્રથમ કોવિડ મૃત્યુની પુષ્ટિ કરી હતી. ઉત્તર કોરિયામાં ૩,૫૦,૦૦૦ લોકોમાં તાવના લક્ષણો જોવા મળ્યા હતા. KCNA ન્યૂઝ એજેન્સી જણાવ્યા મુજબ હાલમાં ૧.૮૭ લાખ લોકો આઇસેલેશનમાં સારવાર લઇ રહ્યા છે. ગુરૂવારે ઉત્તર કોરિયામાં રાષ્ટ્રીય લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
યુરોપીય દેશોમાં ફ્રાન્સમાં અત્યાર સુધી સૌથી વધુ ૨.૯૦ કરોડ, જર્મનીમાં ૨.૫૬ કરોડ, બ્રિટનમાં ૨.૨૧ કરોડ અને રશિયામાં ૧.૮૨ કરોડ કોરોના કેસ નોંધાયા છે.
ચીનમાં સરકાર સતત કડક પગલાઓ લઇ રહી છે. સરકારના કડક કામગીરીને જોતાં લોકોમાં લોકડાઉનનો ભય છે અને તેઓ મોટા પ્રમાણમાં જીવન-જરુરી ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. ચીનમાં કોવિડ કેસોની સંખ્યા ૨૨ લાખ ૨૧ હજાર થઇ છે અને ૫૨૦૦ થી વધુ દર્દીઓનાં મૃત્યુ થયા છે.