દિલ્હીના મુંડકા વિસ્તારમાં શુક્રવારે સાંજે ચાર વાગે ચાર માળની કોર્મશિયલ ઇમારતમાં ભીષણ આગ લાગતાં ૨૭ લોકોના મૃત્યુ થયા હતા. મેટ્રોના પિલર નંબર ૫૪૪ નજીક આવેલી ઇમારતમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણો જાણી શકાયા નથી. અગ્નિશમન દળ અને પોલીસ કર્મી આગ બૂઝાવવાના કામમાં લાગી ગયા હતા. ઇમારતમાં અનેક કંપનીઓની ફે્ક્ટરી અને કાર્યાલય હતા. ફસાયેલા લોકો પૈકી ૫૦ લોકોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ જાહેર કર્યું હતું. પ્રધાનમંત્રી કાર્યાલયે પણ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારને રૂપિયા ૨ લાખ અને ઘાયલોને રૂપિયા ૫૦ હજારની રાહત સહાય આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ઘટના સંબંધે દુઃખ જાહેર કરતાં ટ્વિટ કર્યું હતું.