ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે રાજ્યમાં આ વર્ષ ચોમાસું વહેલું આવી પહોંચશે. ગુજરાતમાં આ વર્ષે ૧૫ જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના છે. જોકે, ચોમાસાના આગમન સુધી લોકોએ અસહ્ય ગરમીનો ત્રાસ સહન કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના અનુસંધાને આગામી ચારથી પાંચ દિવસ સુધી કેરળ, કર્ણાટક સહિતના દરિયાકાંઠાના વિસ્તરોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે.
કેરળમાં ૨૭/૦૫/૨૦૨૨મી થી પહેલી જૂનના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. કેરળમાં વરસાદના આગમન બાદ સામાન્ય રીતે ૧૫ / ૨૦ દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું આગમન થતું હોય છે. આ વર્ષે પણ દેશમાં ચોમાસું સામાન્ય રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થતું હોય છે. દક્ષિણમાં વરસાદના આગમન બાદ ચારથી પાંચ દિવસમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડતો હોય છે.
હવામાન નિષ્ણાતોનું માનીએ તો આ વર્ષે ગુજરાતમાં જૂનના પ્રારંભથી જ પ્રી / મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જે બાદમાં ૧૫મી જૂન સુધીમાં વરસાદનું આગમન થઈ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સોમાસાનું આગમન થોડું મોડું થઈ શકે છે.