આસામમાં છેલ્લા કેટલાક દિવસથી મુશળધાર વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અનુસાર આસામના ૨૬ જિલ્લાના ૬૭ મહેસૂલી વિસ્તાર પૂરથી અસરગ્રસ્ત છે.
રાજ્યના ૨૬ જિલ્લાના ૧,૦૮૯ ગામોમાં પાણી ઘુસ્યા છે. પૂરથી રાજ્યના ૪,૦૩,૩૫૨ નાગરિકો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત પૂરના પાણીમાં કુલ ૩૨,૯૪૪ હેક્ટરથી વધુ વિસ્તારના ઉભા પાકને નુકસાન થયુ છે.
પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૮૯ રાહત શિબિર ખોલાવમાં આવી છે. આસામમાં સતત વરસાદની સ્થિતિને પગલે ઉચ્ચતર માધ્યમિક પ્રથમ વર્ષની પરીક્ષાઓ અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દેવાઇ છે.
બેંગલોરમાં પણ ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઇ જવાની સ્થિતિ સર્જાઈ છે.
શહેરના મુખ્ય માર્ગો, ફ્લાયઓવર્સ અને અન્ડરપાસમાં પાણી ભરાવાથી વાહનોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી. કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા હતા. આ દરમિયાન હવામાન વિભાગે બેંગલોર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.