અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોરને લઈ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઢોર અંકુશ ખાતાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઢોર અંકુશ ખાતાને શહેરમાં રખડતા તમામ ઢોરને પકડવા સૂચના આપવામાં આવી હતી. સાથે જે બાઈકર્સ આ ઢોર અંકુશ ખાતાને ફરજ દરમિયાન હેરાન કરે છે તેઓની વિરૂદ્ધ પણ કડક પગલા ભરી પોલીસ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
AMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યા અનુસાર સીએનસીડી વિભાગ દ્વારા ગાયો પકડવા માટે ૬ સાધનની વ્યવસ્થા છે. જુદી જુદી ૨ શિફ્ટમાં આ કામગીરી કરવામાં આવે છે. રોજ એક ગાડી ૨ ફેરા કરે છે અને રખડતાં ઢોરને પકડી તેણે યોગ્ય જગ્યાએ મૂકવાની વ્યવસ્થા કરે છે. અમદાવાદ શહેરની જનતાને રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે એ માટે વધુ કડકાઇ કરવી પડે તો તેના માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ રખડતાં ઢોરને પકડવા જતાં બાઈકર્સ ગેંગ હેરાન કરતી હોય છે. સરકારી કામમાં ખલેલ પહોંચાડવાનો કારસો ઘડવામાં આવે માટે હવે નિર્ણય કરાયો છે કે તેમના પર પણ વિભાગ દ્વારા પોલીસ કેસની કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવશે.
ઝડપથી આ બાઈકર્સ ગેંગ પર ફરિયાદ નોંધવામાં આવશે. એક જ બાઈક રખડતાં ઢોરની કાર્યવાહી સ્થળની આસપાસ સતત ૨ કે ૩ દિવસ જોવા મળશે તો તેના નંબર નોંધી તપાસ કરવામાં આવશે. સાથે જ શહેરના પશુપાલકોને રખડતાં ઢોર પર નિયંત્રણ આવે તે માટે સાથ સહકાર આપવા પણ અપીલ કરી છે. હાલમાં કોર્પોરેશને ૨,૫૦૦થી વધુ રખડતાં જાનવરની સંભાળ રાખી છે. તે પશુઓને કોઈ પણ તકલીફ ન પડે તેની પણ બેઠકમાં ચિંતા કરવામાં આવી છે.