પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને વર્ચુઅલી સંબોધીત કરી હતી. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે જનસંઘના સ્વરૂપમાં આ યાત્રા શરૂ થઈ હતી જે ભાજપના રૂપમાં ફલી ફુલી છે. દેશની જનતા ભાજપને વિશ્વાસ અને આશા સાથે જુએ છે. પ્રધાનમંત્રીએ પક્ષ સમર્પિત તમામ વિભૂતિઓને નમન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારત પ્રત્યે ભાવના જાગૃત થઈ રહી છે. આ બેઠકમાં ૧૩૬ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાગ લીધો હતો.
બેઠકમાં રાજ્કીય મુદ્દાઓની સાથે સરકારની નીતિ અને પક્ષના કાર્યક્રમો પર વિસ્તારથી ચર્ચા થઇ હતી. બેઠકમાં આ સિવાય દેશની રાજ્કીય સ્થિતી ઉપર ચિંતન કરવામાં આવ્યું હતું. દરેક બુથ પર પક્ષ મજબૂત થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. મહાસચિવ, ખજાનચી, તમામ મોરચાના અધ્યક્ષ, તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો, રાજ્ય સંગઠન સચિવો અને ઘણા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ આ બેઠકમાં હાજરી આપી હતી. આવતીકાલે તમામ રાજ્યોના પ્રદેશ સંગઠન સચિવોની બેઠક મળશે.