કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણો અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે જીનિવા ખાતે WHOના હેડક્વાર્ટરમાં વિશ્વ આરોગ્ય સભાના ૭૫મા સત્રમાં ઐતિહાસિક સંબોધન આપ્યું તે દરમિયાન વધુ સ્થિતિસ્થાપક વૈશ્વિક આરોગ્ય સુરક્ષા માળખાનું નિર્માણ કરવા માટે ભારતની કટિબદ્ધતા પર વિશેષ ભાર મૂક્યો હતો. WHOને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાતને રેખાંકિત કરતા કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે, “ભારતના પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો તે અનુસાર, રસી અને દવાઓની સમાન સુલભતા માટે સ્થિતિસ્થાપક વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાનું નિર્માણ કરવાની, રસી અને ઉપચાર માટે WHOની મંજૂરીની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવાની અને વધુ સ્થિતિસ્થાપક વૈશ્વિક આરોગ્ય સુરક્ષા માળખાનું નિર્માણ કરવા માટે WHOના મજબૂતીકરણની જરૂર છે.” તેમણે ઉમેર્યું હતું કે, ભારત એક જવાબદાર સમુદાય તરીકે આ પ્રયાસોમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.
કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે, “ભારત માને છે કે, આ વર્ષની શાંતિ અને આરોગ્યને જોડતી થીમ સમયસર અને સુસંગત છે કારણ કે શાંતિ વગર દીર્ઘકાલિન વિકાસ અને સાર્વત્રિક આરોગ્ય અને સુખાકારી સંભવ નથી.”
જો કે, આ સત્ર દરમિયાન ભારતે તાજેતરમાં WHO ની તમામ કારણો પર વધુ પડતા મૃત્યુદરની કવાયત સામે નિરાશા અને ચિંતા પણ વ્યક્ત કરી હતી, જ્યાં ભારતના વૈધાનિક સત્તામંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા દેશ માટેના વિશિષ્ટ અધિકૃત ડેટાની અવગણના કરવામાં આવી છે. આ સંદર્ભે, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ભારતની અંદરના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓના પ્રતિનિધિ સંગઠન ‘કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ’ની સામૂહિક નિરાશા વ્યક્ત કરી, કારણ કે તેમણે આ અભિગમ બાબતે અને વધુ પડતા મૃત્યદરનો અહેવાલ તૈયાર કરવા માટે WHO દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ બાબતે સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો.
ભારતના આદરણીય પ્રધાનમંત્રી મોદીએ રસીઓ અને દવાઓની સમાન સુલભતા સક્ષમ કરી શકાય તે માટે સ્થિતિસ્થાપક વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાનું નિર્માણ કરવાની જરૂરિયાત પર; રસીઓ અને ઉપચાર માટે WHOમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની જરૂરિયાત અને વધુ સ્થિતિસ્થાપક વૈશ્વિક આરોગ્ય સુરક્ષા માળખાનું નિર્માણ કરવા માટે WHOમાં સુધારા અને તેને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. વૈશ્વિક સમુદાયના જવાબદાર સભ્ય તરીકે, ભારત આ પ્રયાસોમાં મુખ્ય ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.