ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં અરવલ્લીમાં રાજકારણ ગરમાયું છે. કારણ કે, ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ આજે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. વિધિવત રીતે કેવલ જોષીયારા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઇ ગયા છે. કેવલ જોષીયારા સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો પણ ભાજપમાં જોડાયા.
ભાજપમાં જોડાયા બાદ કેવલ જોષીયારાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘આદિવાસી સમાજમાંથી મારા પિતાએ સર્જન કરીતે ફરજ બજાવી. કેબિનેટ મંત્રી તરીકે પણ મારા પિતાએ ખૂબ સેવા આપી. ભિલોડાની જનતાનો મારા પિતાને ઘણો પ્રેમ મળ્યો છે. મારા પિતા લોકોની સેવા કરતા કોરોનાગ્રસ્ત થયા. મારા પિતા બીમાર પડ્યા ત્યારે સી.એમ અને પાટીલ સાહેબે મદદ કરી હતી. હું મારા પિતાના રસ્તે ચાલીશ.’
ભાજપ આ વખતની ચૂંટણીમાં આદિવાસી બેઠકો પર કબ્જો જમાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે.
પહેલા કોંગ્રેસના ખેડાબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા અને હવે કેવલ જોશીયારા ભાજપમાં જોડાશે.ભિલોડામાં જ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓ કેસરિયો કરશે. લાગી રહ્યુ છે કે વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ધાર્યુ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યુ છે આથી ઉત્તર ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા માટે કોંગ્રેસના નારાજ નેતાઓને પક્ષમાં સામેલ કરવામાં ભાજપના પ્રયાસો સફળ થઇ રહ્યાં છે.