વિધાસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. મતદારોને પોતાના તરફ કરવાની કવાયત હાથ ધરી છે ત્યારે ભિલોડા ખાતે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા નવ સંકલ્પ જન સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, મધુસૂદન મિસ્ત્રી સહિત કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં સંબોધન કરતા જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું પેપર લીક કરવાવાળા સાતમા આસમાનમાં પેસી ગયા છે ત્યારે જો સરકાર અમારી બનશે તો આ પેપર કાંડના આરોપીઓને ભૂગર્ભમાંથી પણ શોધી લાવીશું. અને જ્યારે પોલીસ વિભાગમાં પણ ૯૫ ટકા સારા છે, કાયદાને સમજે છે, જાણે છે. જ્યારે ૫ ટકા પોલીસવાળાઓએ ભાજપની ચડ્ડીઓ પહેરી છે. ત્યારે આવા લોકો ચેતી જાય જો અમારી કુદરતે પાંચમ લખી હશે તો છઠ્ઠ નહિ થાય પણ ખોટી રીતે હેરાન કરવાવાળાને અમારી સરકાર આવે એ દિવસે એક કલાકની ૫૦૦ કિલોમીટર કપડા વગર દોડવાની તૈયારી રાખજે તેવી ગર્ભિત ધમકી આપી હતી.
ભાજપ જય બજરંગબલી બોલાવી ચૂંટણી ટાણે ભાગલા પાડે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે રામ યાદ આવે જ્યારે અમારે તો ઉઠતા વખતે રામ રામ તેવું કહી આકરા પ્રહારો કર્યા હતા.
જગદીશ ઠાકોરના પોલીસ નિવેદનનો મામલે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે વળતો જવાબ આપ્યો છે. યમલ વ્યાસે કહ્યું કે, ગુજરાત પોલીસની દેશમાં પ્રશંસા થઇ રહી છે. ડ્રગ્સનો કારોબાર ઝડપવામાં પ્રશંસનીય કામગીરી કરી છે. હત્યાના આરોપીઓને ઝડપીને સજા અપાવી છે. પોલીસની કામગીરીને કારણે મહિલાઓ સુરક્ષિત છે. કોંગ્રેસના પ્રમુખ પોલીસની કામગીરીને વખોડી રહ્યાં છે. કોંગ્રેસમાં હતાશા જોવા મળી રહી છે. કોંગ્રેસ માટે આગામી દિવસો ખૂબ કપરા છે. આવી માનસિકતાને કારણે વયમનસ્ય ઉભુ કરી રહ્યાં છે.