ગુજરાત વિધાનસભાની ચૂંટણી: બિનગુજરાતીઓના મત મેળવવા કોંગ્રેસે ઘડ્યો માસ્ટર પ્લાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાનો મત કેમ કરીને કોંગ્રેસના ફાળે જાય તે માટેના તમામ પ્રયાસો કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. જે બેઠક કોંગ્રેસનું ગઢ ગણાતી તેવી બેઠકમાંથી નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા. તો બીજી તરફ કોંગ્રેસ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે રાહ જોઇ રહ્યું છે. જો કે આ તમામ વચ્ચે કોંગ્રેસ એક બાદ એક રણનીતિ ઘડી રહ્યું છે. પહેલા આદિવાસી વૉટ બેંક અને હવે બિનગુજરાતી મત કબ્જે કરવા માટે રણનીતિ તૈયાર કરી છે.

ગુજરાતમાં બિન ગુજરાતી મતો કોંગ્રેસના ખાતામાં જાય તે માટે કોંગ્રેસ તૈયારીઓ કરી લીધી છે. નોન ગુજરાતીઓ માટે સુરતમાં કોંગ્રેસ ખાસ સંમેલન યોજશે જેમાં ૧૦ હજાર બિનગુજરાતીઓ હશે. આ મહાસંમેલનમાં રાહુલ ગાંધી પણ હાજર રહે તેવી  શક્યતાઓ છે. સુરતમાં બિનગુજરાતીઓના સંમેલનનું કોંગ્રેસ દ્વારા આયોજન કરાશે.  આયોજનની પાકી તારીખ સામે આવી નથી પરંતુ આગામી ૧૨ અથવા ૧૫ જૂને સંમેલન યોજાય તેવી શક્યતાઓ છે.

ગુજરાત કોંગ્રેસે આદિવાસી વૉટ બેંકને આકર્ષવા માટે પણ રણનીતિ તૈયાર કરી હતી. ખેડબ્રહ્મા અને ભિલોડામાં આદિવાસી નેતાઓ તથા આગેવાનો સાથે સંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઇ ગયા જ્યારે ભિલોડાના પૂર્વ ધારાસભ્ય અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશિયારા પણ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક રાજકિય પાર્ટીઓ નવી નવી રણનીતિ અપનાવી રહી છે તેવી જ રીતે કોંગ્રેસે પણ એક નવી રણનીતિ અપનાવવા જઇ રહ્યું છે. જી,  હા, હિંદુત્વની પોલિટિક્સ હાવી થતાં કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ અપનાવશે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવા સોફ્ટ હિંદુત્વનો સહારો લેવામાં આવશે. વધુમાં વધુ લોકોને આકર્ષવા માટે કોંગ્રેસ સૉફ્ટ હિંદુત્વ અપનાવશે. જે માટે શહેરી વિસ્તારમાં કથાઓ તથા આરતીઓનું આયોજન કરશે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં પણ સામુહિક આયોજન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *