સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે. તારીખ ૧૭થી ૨૧ ઓગસ્ટ સુધી એમ કુલ ૫ દિવસ સુધી રાજકોટના રેસકોર્સ ખાતે આ લોકમેળો યોજાશે. એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. એ માટે ૧૨ સમિતિની રચના કરવામાં આવી છે. જણાવી દઇએ કે, રાજકોટના રેસકોર્સ ખાતે આ લોકમેળો યોજાશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૨ વર્ષથી કોરોના કહેરના ગ્રહણને લઈને રાજકોટમાં જન્માષ્ટમીના મેળાના આયોજન પર રોક લગાવી દેવામાં આવી હતી.
રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે શ્રાવણ માસની રાંધણ છઠ્ઠથી શરૂ થઇને દશમ સુધી રાજકોટનો મેળો મહાલવા ગામેગામથી લોકો ઊમટી પડે છે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન મૂકીને મેળામાં મહાલે છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાઈ છે. ત્યારે આ વર્ષે રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. કોરોના કાળના ત્રણ વર્ષ બાદ ફરી એક વાર લોકમેળો યોજવામાં આવશે. જે સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે લોકમેળા અંગેની બેઠક પણ યોજાઈ હતી.
મેળાને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી લોકમેળા સંદર્ભે વિવિધ કામોની જે-તે વિભાગને સોંપણી કરવામાં આવી છે. લોકમેળાની કામગીરીને લઈને વિવિધ કમિટીની રચના કરવામાં આવી છે. આવતા અઠવાડિયામાં લોકમેળા યોજાશે તે જગ્યાએ કલેકટર સહિતના દ્વારા સ્થળ વિઝીટ પણ કરવામાં આવશે. જોકે જે રીતે દૈનિક કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે તેને લઈને મેળામાં કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન કરાવવામાં આવશે તેવું કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં વર્ષોથી લોકમેળાઓનું આગવું મહત્વ રહ્યું છે. શ્રાવણ મહિનામાં રાજકોટના રેસકોર્ષ મેદાનને આંગણે ૫ દિવસ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા આ લોક મેળામાં ગુજરાતના અન્ય પ્રાંતો સહિત સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી ૧૦ લાખ ઉપરાંત લોકો મેળાની મોજ માણતા હોય છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોનાએ કેડો ન છોડતા લોકમેળાના આયોજન પણ બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં અગાઉ કરતા સ્થિતિ ઘણી સારી હોવાથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની સત્તાવાર જાહેરાત કરી દેવાઇ. ૧૭થી ૨૧ ઓગસ્ટ સુધી કુલ ૫ દિવસ સુધી રાજકોટના રેસકોર્સ ખાતે આ લોકમેળો યોજાશે.