ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં પક્ષપલટાની આફત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે એ પૂર્વે ભાજપમાં શરૂ કરાયેલા કોંગ્રેસના ભરતીમેળામાં હાર્દિક પટેલ બાદ હવે કેટલાંક પાટીદાર ધારાસભ્ય ઉપર પણ ફોકસ કરાઇ રહ્યું છે.  રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફતના એંધાણ દેખાઇ રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક ધારાસભ્ય ગમે ત્યારે કેસરિયા કરે તેવી શક્યતા. પાટીલના મિશન ૧૮૨ને લઇ કોંગ્રેસના કેટલાંક ધારાસભ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના ૭ ધારાસભ્ય કેસરિયા કરવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે.

૪ પાટીદાર સહિત સૌરાષ્ટ્રના ૭ ધારાસભ્ય ભાજપમાં જઇ શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક ધારાસભ્ય ને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી શક્યતા. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે.

૧૮૨ બેઠક જીતવા માટે ભાજપ હાઈકમાન્ડે શક્ય તમામ બાંધછોડ કરવા પ્રદેશ નેતાઓને છુટ્ટો દોર આપી દીધો છે. પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર ધારાસભ્યો આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપની ટિકિટની ખાત્રી માંગી રહ્યાં હોવાથી અમુક ધારાસભ્યોનો પેચ ફસાયો છે. તો સામે બીજી બાજુ ટિકિટ નહીં લેનાર કોંગ્રેસના ધારાસભ્યને અન્ય રીતે ‘સાચવી’ લેવા માટે પણ ‘ગોઠવણ’ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *