નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલથી વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને સુરત એમ પાંચ જિલ્લાના આદિવાસી પંથકને ફાયદો થાય તેવા રૂ.૩,૦૫૦ કરોડની વિવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૦ જૂને ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નવસારીમાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન, તેઓ નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલથી વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને સુરત એમ પાંચ જિલ્લાના આદિવાસી પંથકને ફાયદો થાય તેવા રૂ.૩,૦૫૦ કરોડની વિવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં ૭ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, ૧૨ પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ અને ૧૪ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સામેલ છે. આ પ્રોજેક્ટ્સથી આ પ્રદેશમાં પાણી પુરવઠાને સુધારવામાં, કનેક્ટિવિટી વધારવા અને જીવનની સરળતા વધારવામાં મદદ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીમાં એ. એમ. નાયક હેલ્થકેર કોમ્પ્લેક્ષ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ લગભગ ૦૩:૪૫ કલાકે, અમદાવાદના બોપલ ખાતે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્રના મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ સ્પેસ આધારિત એપ્લિકેશન્સ અને સેવાઓનાં ક્ષેત્રમાં કામ કરતી IN-SPACe અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે એમઓયુની આપ / IN-SPACeલેનું પણ સાક્ષી બનશે.
આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવસારીમાં મેડિકલ કોલેજનું ભૂમિપૂજન સંપન્ન થયા બાદ ચાલુ વર્ષે નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે પણ મેડિકલ કોલેજ શરૂ કરવાના ચક્રો ગતિમાન થયા છે. તેમણે ઉમેર્યું હતું કે પાંચે પાંચ મેડિકલ કોલેજ કાર્યરત કરવા પાછળ ૨,૨૫૦ કરોડનો ખર્ચ થશે અને પ્રત્યેક મેડિકલ કૉલેજ દીઠ ૧૦૦ સીટ ઉપલબ્ધ બનશે.