રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ૧૮ મી જુલાઈએ યોજાશે, મતગણતરી ૨૧ મી જુલાઇએ હાથ ધરાશે

ચૂંટણી પંચે ૧૬મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. નવી દિલ્હીમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ૧૮મી જુલાઈના રોજ મતદાન થશે. આ અંગેનું જાહેરનામું ૧૫મી જૂને બહાર પડશે, અને ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૯મી જૂન સુધી છે. ૩૦મી જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ૧૮મી જુલાઈએ મતદાન થશે અને ૨૧મી જુલાઈએ મતગણતરી હાથ ધરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪ જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે.

શ્રી કુમારે જણાવ્યું કે, બંધારણ મુજબ પ્રમાણભૂત પ્રતિનિધિત્વની પદ્ધતિ અનુસાર ગુપ્ત મતદાન દ્વારા ચૂંટણી યોજવામાં આવશે. ચુંટણી પંચ મુક્ત અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે છે. તેમાં દિલ્હી અને પુડુચ્ચેરી વિધાનસભાઓ પણ સામેલ છે. રાજ્યસભા અને લોકસભા તથા રાજ્યોની વિધાનસભામાં નીમાયેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. તેવી જ રીતે, વિધાન પરિષદના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાર હોતા નથી. ૨૦૧૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૭ જુલાઈએ યોજાઈ હતી અને ૨૦ જુલાઈએ મતગણતરી થઈ હતી.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, રાજ્યસભાના મહાસચિવ આ ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર હશે, અને સંસદ ભવન તથા રાજ્યોની વિધાનસભાઓના પરિસરમાં મતદાન થશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, કુલ મતદારોની સંખ્યા ૪,૮૦૯ છે. તેમાં ૭૭૬ સંસદ સભ્યો અને ૪,૦૩૩ વિધાનસભ્યોનો સમાવેશ થાય છે. કુલ મતનું કુલ મૂલ્ય ૧૦ લાખ ૮૬ હજાર ૪૩૧ થશે. શ્રી કુમારે જણાવ્યું કે, મતદાન અને મતગણતરીના દિવસે તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ કરવા ચૂંટણી અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *