કાળઝાળ ગરમી બાદ મહીસાગરનાં સંતરામપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. ડાંગમાં ચોમાસાનું વહેલા આગમન જોવા મળી રહ્યુ છે અને સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી.
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી નીકળી છે. કેટલીક જગ્યાઓ પર અડધાથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. કાળઝાળ ગરમી બાદ મહીસાગરનાં સંતરામપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. ડાંગમાં ચોમાસાનું વહેલા આગમન જોવા મળી રહ્યુ છે અને સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી. સાપુતારામાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા ૧૨ કલાકમાં પ્રાંતિજમાં ૬ મીમી, તલોદમાં ૨૭ મીમી, ખેડબ્રહ્મામાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો.
ડાંગમાં સુબિર તાલુકાના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા પાણીની રેલમછેલ થઈ હતી. આહવામાં ૯ મીમી, વઘઈમાં ૨૩ મીમી અને સાપુતારામાં ૪૭ મીમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડાલી, જૂનાગઢ, કપરાડા, ધરમપુર, વલસાડ, ઉમરગામ, વિજયનગર, ગોંડલ, સુલતાનપુર સહિતના સ્થળો પર વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદથી દીવાલ ધરાશાયી
મોરબીના હળવદ તાલુકામાં સુંદરીભવાની ગામે ભારે વરસાદને કારણે દીવાલ ધરાશાયી થઈ છે. દીવાલ ધરાશાયી થવાને કારણે ત્રણ લોકોના મોત થયા છે. બે સગાભાઈ અને એક મહિલાનું મોત થતા પરિવારમાં દુ:ખનો માહોલ છે. આ દુર્ઘટનામાં વાઘજીભાઈ દેગામા, શેલાભાઈ દેગામા અને રાજુબેન દેગામાનું મોત થયું છે.