ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ ગયો છે. ત્યારે મંગળવારે રાજ્યના ૨૨થી વધુ તાલુકામાં વરસાદની પધરામણી થઇ હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતા સપ્તાહથી ગુજરાતમાં સોળેકળાએ ખીલશે. આગામી ચાર દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકાં અને પવન સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ પડવાનું અનુમાન પણ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ગત વર્ષે ૩૨ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૯૬.૭૦ ટકા વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અનુમાન પ્રમાણે આવતા સપ્તાહે રાજ્યભરમાં સારા વરસાદના સંજોગ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલમાં બપોર બાદ દરિયો તોફાની બન્યો અને ઉંચા મોજા ઉછળ્યા. જેના કારણે પ્રવાસીઓને દરિયાની નજીક ન જવા સૂચના અપાઈ. આ તરફ દ્વારકાના દરિયામાં પણ ઉંચા મોજાં ઉછળ્યા હતા. ગોમતીઘાટ પર ૫થી ૬ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. ત્યારે સહેલાણીઓને પણ સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી.