ભાજપમાં જવાની અટકળો પર લલિત વસોયાનો ખુલાસો

 

ગુજરાત કૉંગ્રેસ આજે સોમનાથ મંદિર થી આગામી ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણી ને લઈને શંખનાદ કાર્યક્રમ યોજી રહી છે. જેમાં વેરાવળથી સોમનાથ સુધીની રેલીનું આયોજન કરાયું છે. આ ઉપરાંત આજે સૌરાષ્ટ્ર ઝોન ની બેઠક મળી છે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો અને નેતાઓ જોડાયા છે. જોકે, કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના ૨૧માંથી ૧૯ ધારાસભ્યો હાજર છે. કાર્યક્રમમાં પ્રતાપ દુધાત  અને અમરરિશ ડેર  ગેરહાજર રહ્યા છે. આ પ્રસંગે ધારાસભ્ય લલિત વસોયા એ પ્રતિક્રિયા આપતા ભાજપમાં જવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. આ સાથે જ લલિત વસોયાએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી સૌરાષ્ટ્રમાં  સારો દેખાવ કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્તિ કર્યો હતો. છેલ્લા થોડા દિવસોથી કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જઈ રહ્યા છે તેવી અટકળો વહેતી થઈ છે.

ભાજપમાં જવાની અટકળો પર બોલતા કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે, “૨૦૧૭માં ધારાસભાની ચૂંટણી જીત્યો ત્યારથી મારા કોઈને કોઈ હિતેચ્છુ મિત્રો ચૂંટણી આવે ત્યારે આવી અટકળો લગાવતા રહે છે. મીડિયા પણ આ વાતને ચલાવતું હોય છે. હું બે દિવસથી સૌરાષ્ટ્ર ઝોનની બેઠકની વ્યવસ્થામાં રોકાયેલો છું. હું પાર્ટીની નેતાગીરી સાથે છું. મને પાર્ટીથી કોઈ પણ પ્રકારનો અસંતોષ નથી. કોઈ મિત્રો આવી વાત ચગાવતા હોય છે.”

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સાથે વીડિયો અને ફોટો વાયરલ થવા મામલે લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે, “ગુજરાતના ભૂતપૂર્વ અથવા વર્તમાન મુખ્યમંત્રી કે પછી કોઈ મંત્રી સાથે કાર્યક્રમમાં સ્ટેજ પર હોવું અને તેની તસવીરો વાયરલ થવી સામાન્ય વાત છે. રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં દરેક પક્ષના લોકો આવતા હોય છે. આ તસવીરો સ્ટેટસ તરીકે મૂકવી તેમાં કંઈ ખોટું નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *