ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગળાકાપ હરિફાઇઓ ચાલી રહી છે. એવામાં ગુજરાત મોડલ અને દિલ્હી મોડલ વચ્ચે જે રીતે ટ્વવિટર વૉર શરૂ થયું હતું. દિલ્હીના મનિષ સિસોદિયા શિક્ષણમંત્રીના જ મતવિસ્તાર ભાવનગરમાં જઇને શાળાનું રિયાલિટી ચેકિંગ કર્યું હતું . ત્યારે હવે ગુજરાત ભાજપના ૧૭ સભ્યોની ટીમે દિલ્હીની મુલાકાત લીધી. ત્યારે હવે ભાજપ નેતાઓની દિલ્હી મુલાકાત બાદ આમ આદમી પાર્ટી ના એમએલએ પણ ગુજરાત આવશે.
ગુજરાત ભાજપના ૧૭ સભ્યોની ટીમ દિલ્હી પહોંચી હતી. જ્યાં તેઓએ દિલ્હીના મહોલ્લા ક્લિનિકની મુલાકાત લીધી હતી. ભાજપની ટીમે દિલ્હીની સરકારી સ્કૂલોની પણ મુલાકાત લીધી હતી. દિલ્હી સરકારના દાવાઓ વચ્ચે મહોલ્લા ક્લિનિક અને સ્કૂલોની ભાજપની ટીમે મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ ભાજપ નેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘દિલ્હીનું મોહલ્લા ક્લિનિક મરવા પડ્યું છે. દિલ્હીનું મોહલ્લા ક્લિનિક ગંદકીથી ખદબદે છે.’
દિલ્હી મોડલ પર રાજકારણ ગરમાતા અમદાવાદમાં આમ આદમી પાર્ટી ની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘દિલ્હીમાં કેજરીવાલે શાનદાર સ્કૂલો બનાવી છે. અમારા નેતાઓએ ભાજપ નેતાઓને આમંત્રણ આપ્યું હતું. આજે ફરીથી ભાજપને આમંત્રણ આપ્યું છે. દિલ્હીમાં અમારા એમએલએ ભાજપના નેતાઓની રાહ જુએ છે.’ મહત્વનું છે કે, ગોપાલ ઈટાલિયાએ રમણ વોરાને કોલ કર્યો હતો.
ગુજરાતના ભાજપ ટીમની દિલ્હીની મુલાકાત મામલે દિલ્હીના ધારાસભ્ય આતિશીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું છે, અહીંથી શીખીને જઇ શકે છે કે સરકારી શાળાઓમાં કેવી રીતે સુધારો કરી શકાય!’