રાજ્યમાં આજે ૧૭ તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે સવારના ૦૬:૦૦થી ૧૨ કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ સુરતના ઓલપાડમાં ૨૨ એમએમ નોંધાયો છે. આ સાથે સુરત શહેરમાં ૧૩ એમએમ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ એટલે ૨૯ અને ૩૦ મી તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સાથે ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. રાજ્યમાં ૨૯ અને ૩૦મી તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૯મી જૂનના રોજ ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે ૩૦ જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે પાંચમી જુલાઇ સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી જશે.
અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાતા દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ત્યારે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જયારે રાજ્યના કેટલાક બંદરો પર સતર્કતાના ભાગ રૂપે એલર્ટ આપતા સિંગ્નલો લગાવવામાં આવ્યા છે.
કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ? : દક્ષિણ ગુજરાત વિસ્તારો ચોથા અને પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે