કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે ચંદીગઢમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટી કાઉન્સિલની ૪૭મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીની સાથે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણા મંત્રીઓ અને નાણા મંત્રાલય અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
નાણામંત્રીએ જીએસટીના દરને તર્કસંગત બનાવવા, રાજ્યો માટે જીએસટીના અમલીકરણને કારણે વળતર અને ડિજિટલ અસ્કયામત વિશે ચર્ચા કરી હતી. તેમણે પરિષદને નિર્દેશ આપ્યો કે કેસિનો, રેસ કોર્સ અને ઓનલાઈન ગેમિંગ પર મંત્રીઓના જૂથે રાજ્યો તરફથી મળેલા સૂચનોના આધારે સંદર્ભની શરતોના મુદ્દા પર પુનર્વિચાર કરવો જોઈએ અને ટૂંકા ગાળામાં રિપોર્ટ જમા કરાવવા જોઈએ.
એલઈડી લેમ્પ્સ, લાઇટ્સ અને ફિક્સર, મેટલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર જીએસટીનો દર ૧૨ %થી વધારીને ૧૮ % કરવામાં આવ્યો છે. સોલાર વોટર હીટર અને સિસ્ટમ પર જીએસટીનો દર ૫ % થી વધારીને ૧૨ % કરવામાં આવ્યો છે. રોડ, બ્રિજ, રેલ્વે, મેટ્રો, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્યુનરલ સાઇટ્સ માટેના કોન્ટ્રાક્ટ વર્ક પર ટેક્સનો દર ૧૨ % થી વધારીને ૧૮ % કરવામાં આવ્યો છે.
ઐતિહાસિક સ્મારકો, નહેરો, ડેમ, પાઈપલાઈન, પાણી પુરવઠાના પ્લાન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો અને સ્થાનિક સત્તાવાળાઓને કરાર કરાયેલા કામો પર ટેક્સનો દર ૧૨ % થી વધારીને ૧૮ % કરવામાં આવ્યો છે.
બેટરી પેક સાથે અથવા વગરના ઇલેક્ટ્રિક વાહનો ૫ % રાહત દર માટે પાત્ર છે.
ટેટ્રા પેકેજિંગ પર જીએસટી દર ૧૨ % થી વધારીને ૧૮ % કરવામાં આવ્યો છે. GST દરોમાં આ તમામ ફેરફારો આ વર્ષે ૧૮ જુલાઈથી લાગુ થશે.