કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના હેબતપુરમાં 1 લાખ વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ શુક્રવારથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના હેબતપુરમાં ૧ લાખ વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન પર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહે ચાંદલોડિયા રેલવે સ્ટેશનના હાઇલેવલ પ્લેટફોર્મ અને બુકિંગ કાઉન્ટરનું ઉદઘાટન પણ કર્યું હતું તથા ચાંદલોડિયા-ખોડિયાર રેલ્વે અન્ડરબ્રિજનું પણ ઉદઘાટન કર્યું હતું. AMC અને પશ્ચિમ રેલ્વેના વિવિધ પ્રજાલક્ષી વિકાસકામોનું ઉદઘાટન તથા શિલાન્યાસ પણ કર્યો હતો. AMC અને પશ્ચિમ રેલ્વે દ્વારા 33 કરોડના ખર્ચે આ પ્રજાલક્ષી વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ૧ જુલાઈના રોજ અમદાવાદના મોડાસર ખાતે ફ્લાય ઓવરબ્રીજનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્મોકલેસ વિલેજ અભિયાન’ અને ‘થેલેસેમિયા જાગૃતિ અભિયાન’નો પણ શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને રાંધણગેસ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ૨૦ વર્ષથી અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય આવનારા સમયમાં પણ અગ્રેસર રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ શુક્રવારે ગાંધીનગર – વરદાયિની મંદિર રૂપાલમાં રૂ. ૨૧૦ કરોડના જિલ્લાના વિવિધ વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કર્યું હતું. આ સાથે વાસણ તેમજ રૂપાલ ગામે તળાવ નવીનીકરણના કામોનું ખાતમુહુર્ત કર્યુ હતું . આ પ્રસંગે વરદાયિની માતા દેવસ્થાન દ્વારા ગૃહમંત્રી અમિત શાહ માટે રજત તુલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કલોલના સૈજ ખાતે ૭૫૦ બેડની પી એસ એમ. મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું પણ ભૂમિપૂજન કર્યું હતું. આ હોસ્પિટલ કલોલ અને આસપાસના વિસ્તારના લોકો માટે ઉપયોગી બની રહેશે.