પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રિય મંત્રીઓ અને ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત તમામ વરિષ્ઠ નેતા હાજર રહેશે.
હૈદરાબાદમાં આજથી ભારતીય જનતા પાર્ટીની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રિય મંત્રીઓ અને ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત તમામ વરિષ્ઠ નેતા હાજર રહેશે. રાષ્ટ્રીય કારોબારી બેઠક પહેલા ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાશે. કોરોનાકાળ બાદ દિલ્હીની બહાર પ્રથમ વાર રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજવામાં આવી રહી છે.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય મહાસચિવોની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પાર્ટીના રાજ્ય પ્રભારી તરુણ ચુગે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કાર્યકારિણીના તમામ સત્રમાં હાજર રહેશે. આજની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં તેલંગાણામાં ભાજપનું વર્ચસ્વ વધારવાની પહેલ છે. ભાજપે તેલંગાણામાં તેમની પાર્ટીના નેતાઓને ૧૧૯ વિધાનસભા વિસ્તારમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મોકલ્યા છે. ૩ જુલાઈના રોજ એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જાહેર સભાને સંબોધન કરશે.