ફ્લોર ટેસ્ટમાં એકનાથ શિંદેના સમર્થનમાં ૧૬૪ ધારાસભ્યએ મત આપ્યા છે અને તેમની વિરૂદ્ધમાં ૯૯ મત પડ્યા છે.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની નવી સરકારે આજે વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરી લીધો છે. આ ફ્લોર ટેસ્ટમાં એકનાથ શિંદેના સમર્થનમાં ૧૬૪ ધારાસભ્યએ મત આપ્યા છે અને તેમની વિરૂદ્ધમાં ૯૯ મત પડ્યા છે. ફ્લોર ટેસ્ટમાં NCPના એક અને કોંગ્રેસના સાત ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. તો મહાવિકાસ અઘાડીના પણ આઠ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, મોડેથી પહોંચેલા ધારાસભ્યો મતદાન કરી શક્યા નહોતા. ઉપરાંત ફ્લોર ટેસ્ટ પહેલા એકનાથ શિંદેને શિવસેના વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવી ગયા હતાં. અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પણ શિંદેને નેતા તરીકે માન્યતા આપી દીધી છે. તેમની તરફથી ભરત ગોગાવાલેને મુખ્ય દંડક નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના અજય ચૌધરીને અગાઉ વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા હતાં, તેમની નિમણુંકને સ્પીકરે રદ્દ કરી દીધી છે. તેમની સાથે સુનિલ પ્રભુને પણ મુખ્ય દંડકથી હટાવવામાં આવ્યા છે. આ સાથે ઉદ્વવ જૂથની મુશ્કેલીઓમાં વધારો થયો છે, જો તે નવા દંડકનો આદેશ નહીં માને તો તેમની સામે અયોગ્યની કાર્યવાહી કરવામાં આવી શકે છે.