અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરોડોના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યા છે પરંતુ કોર્પોરેશનને જાણ કે નાગરિકોને અર્પણ કરવાનો સમય ન હોવાથી કરોડોની કિંમતના કસરતના સાધનો ધૂળ ખાઇ રહ્યાં છે. રિવરફ્રન્ટ NID પાસે તૈયાર કરાયેલ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.
કરોડોના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ સંકુલ ૬ મહિનાથી તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ નથી કરવામાં આવ્યું. AMC દ્વારા રૂપિયા ૨૬ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ NID પાસે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયામાં સંકુલનું સંચાલન કરવા કોઈ એજન્સી પણ નથી આવતી. કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં નાગરિકોને તેનો લાભ નથી મળતો.
સંકુલમાં સુવિધાની જો વાત કરીએ તો સંકુલમાં ચાર ક્રિકેટ પીચ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ટેનિસ કોર્ટ, જિમ તથા ૮૦૦મીટરનો જોગિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. પરંતુ છેલ્લાં ૬ મહિનાથી સ્પોર્ટ્સ સંકુલ બનીને તૈયાર થઇ ગયો હોવા છતાં તેનું લોકાર્પણ ન કરવામાં આવતા શહેરના નાગરિકો સુવિધાથી વંચિત જોવા મળી રહ્યાં છે.
સ્પોર્ટ્સ સંકુલમાં પશ્ચિમકાંઠે ૩૭,૦૦૦ ચો.મીથી વધુ એરિયામાં ક્રિકેટ પીચ, ટેનિસ કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ અને જોગિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે. પૂર્વ કાંઠે ૭૫૦૦ ચો,મી વિસ્તારમાં પ જેટલા ક્રિકેટ ગ્રાઉન્ડ, વોલીબોલ મેદાન,જોગિંગ ટ્રેક તથા ચિલ્ડ્રન એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ છેલ્લાં ૬ મહિનાથી સ્પોર્ટ્સ સંકુલ બનીને તૈયાર થઇ ગયો હોવા છતાં તેનું લોકાર્પણ ન કરવામાં આવતા શહેરના નાગરિકો સુવિધાથી વંચિત જોવા મળી રહ્યાં છે.