જામનગરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે લતીપુરા પાસે આવેલા આજી-૩ ડેમ ઓવર ફ્લો થવા પામ્યો છે. ડેમ ઓવરફ્લો થતાં લતીપુર અને આસપાસના ગ્રામજનોએ નવાનીરની પરંપરાગત પૂજા-અર્ચના કરી વધામણા કર્યા હતાં તો બીજી તરફ જામનગરમાં આગામી ૪ દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરતાં તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ નીચાણવાળા વિસ્તારો-આશ્રય સ્થાનોની યાદી તૈયાર કરાઈ છે. તો આ તરફ જામનગર ખાતે NDRF અને SDRFની ટુકડી સ્ટેન્ડ ટુ રખાઈ છે.અને લોકોને નદી,જળાશયો પાસે લોકોને અવરજવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસો સુઘી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાવમાં આવી છે.તેની વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં જામનગર શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જોડીયા તાલુકામાં ૫ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ધ્રોલ તાલુકામાં સાડા ૪ ઈંચ અને કાલાવાડમાં ૨ ઈંચ જામનગર શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો,
જામનગરમાં સતત પડી રહેલા વરસાદના કારણે તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલી ખુલી ગઈ હતી. જામનગર શહેર સહિત આસ-પાસના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. તેમજ જામનગરના એસ્ટેટ વિભાગની કચેરીમાં પણ પાણી ભરાયા છે. જેને લઈને મનપાના કર્મીઓને જ ભારે મુશ્કેલી પડી રહી છે.આ સાથે જામનગરના જોડિયામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે.