હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘમહેરને કારણે ચારેતરફ જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૪૮ કલાકમાં અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના પૂર નિયંત્રણ કક્ષ દ્વારા જાહેર કરાયેલા છેલ્લા ચોવિસ કલાકના સત્તાવાર આંકડા અનુસાર રાજ્યના ૨૬ જીલ્લાઓમાં ૨૦૯ તાલુકાઓમાં અતિભારેથી ભારે અને સામાન્ય વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ ૪૩ ટકા વરસાદ વરસ્યો હોવાના પણ અહેવાલ છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ભરૂચ જીલ્લાના વાગરામાં ૯ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે રાજકોટમાં પણ ૧૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે સવારે ગીર સોમનાથમાં બારે મેઘ ખાંગા થયા હતા. છેલ્લા ચોવિસ કલાક દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૨૫ તાલુકાઓમાં ૧૦૦ મિલિમીટર કરતાં વધુ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જોકે નાગરિકોને સહેજ પણ મુશ્કેલી ન સર્જાય તે માટે તંત્ર ખડેપગે છે. તેમજ NDRF, SDRF સહિતની બચાવ ટુકડીઓ લોકોને પૂરપ્રકોપમાંથી બહાર લાવવા માટે તનતોડ પ્રયાસ કરી રહી છે.
ડાંગ
ડાંગમાં સતત ૫ દિવસથી અનરાધાર વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા છે. અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ જિલ્લાના આહવામાં સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ પડ્યો છે. વઘઈમાં ૭ ઈંચ, સુબીરમાં ૫ ઈંચ વરસાદ વરસ્યો છે. ૩૨ થી વધુ નીચાણવાળા કોઝવે કમ પુલ પાણીમાં ગરકાવ થતા ૬૦ થી વધુ ગામ પ્રભાવિત થયા છે. વરસાદની સિઝનમાં પ્રથમ વખત સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થતા નજીકનાં ગાર્ડનમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાનાં ૩૨ જેટલા માર્ગો અને લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, જિલ્લા વહીવટી તંત્રની ટીમ પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ માટે કામ કરી રહી છે.
ગીરસોમનાથ
ગીરસોમનાથમાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની અનેક નદીઓમાં જળસ્તરમાં વધારો થયો છે. સૂત્રાપાડામાં ચાર ઈંચ, વેરાવળમાં બે ઈંચ, કોડિનારમાં ત્રણ ઈંચ અને ગીરગઢડામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગીરગઢડામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. શાહી અને રુપેણ નદીમાં ઘોડાપૂર આવતા ગીરગઢડાના સનોસરી-ધોકડવા પુલ ઉપર પાણી ફરી વળ્યા છે. સોમત નદીનું પાણી રોડ પર આવતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ફરી એકવાર બંધ કરવાની ફરજ પડી છે. પેઢાવાડા ગામ નજીક રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, હરમડિયાથી ગીરગઢડા જવાનો રસ્તો પણ બંધ થયો છે. ગીરગઢડામાં દ્રોણેશ્વર ડેમ ફરીએકવાર ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે. દ્રોણ ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. કોડિનાર નજીકમાં વિઠ્ઠલપુરથી પસાર થતી શાંગાવાડી નદીમાં પણ પૂર આવ્યા છે.
સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ ચાલુ છે. ગિરનાર પર્વત અને ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે, જેના પગલે જિલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ ઓવરફ્લો થતા ડેમના ૪ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે નદી કિનારાના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીના પટમાં અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઈમરજન્સી સ્થિતિની પહોંચી વળવા માટે NDRFની ટીમ ખડેપગે છે. સતત વરસાદને પગલે રબારીકા ગામની માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું હોવાના અહેવાલ છે.