કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘે દેશમાં ઇમરજન્સીનું એલાન કર્યુ છે. તેમજ પશ્ચિમી પ્રાંતમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે.
૧૯૪૮માં આઝાદી પછી શ્રીલંકા સૌથી ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે પોતાના રાજીનામાની સત્તાવાર જાહેરાત પહેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડી માલદિવ પહોંચ્યા છે. બીજી તરફ શ્રીલંકામાં સ્થિતિ વધુ વણસી છે. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ સંસદ તરફ કૂચ કરી છે. કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘે દેશમાં ઇમરજન્સીનું એલાન કર્યુ છે. તેમજ પશ્ચિમી પ્રાંતમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. દેશમાં નેશનલ ટીવીનું પ્રસારણ પણ અટકાવી દેવામાં આવ્યું છે. અત્યારે શ્રીલંકામાં કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે ભારતીય હાઈ કમિશને ગોટાબાયાને દેશ છોડવામાં મદદ કરવાના અહેવાલોનું ખંડન કર્યું છે, આ ઉપરાંત હાઈ કમિશને જણાવ્યું કે, ભારત શ્રીલંકાના લોકોની મદદ કરવાનું ચાલુ રાખશે.
શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલા લેવા માટે કહ્યું છે.
શ્રીલંકાવાસીઓ જણાવે છે કે, રાનિલ વિક્રમસિંઘે પણ પદ પરથી દૂર થવું પડશે. શ્રીલંકા હાલમાં સૌથી ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. રાજપક્ષે પ્રશાસન અને રાનિલ વિક્રમસિંઘને આ સમસ્યાનું કારણ માનવામાં આવે છે. એક સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં બુધવારે પ્રદર્શનકારીઓ ફરી એક વાર પ્રધાનમંત્રી કાર્યાલયમાં પહોંચી ગયા હતા. રાનિલ વિક્રમસિંઘે પ્રદર્શનકારીઓને પ્રધાનમંત્રી કાર્યાલય ખાલી કરવા અને અધિકારીઓને સહકાર આપવાની અપીલ કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે શ્રીલંકાની સ્થિતિ પર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, સંઘર્ષના મૂળ કારણો અને વિરોધીઓની ફરિયાદો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. હું તમામ પક્ષના નેતાઓને શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક પરિવર્તન માટે સમાધાનની ભાવના અપનાવવા વિનંતી કરું છું