ગુજરાત રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદથી પુરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વરસાદી વિસ્તારોની સ્થિતિનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે.
હાલ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી જિલ્લામાં ઉભી થયેલી વિકટ સ્થિતિનો ક્યાસ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. તેમણે નવસારી અને વલસાડના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચિત કરી જાણકારી મેળવી હતી.
પુરની સ્થિતિમાં લોકોને સલામત સ્થળે ખસેડવા, માર્ગો ખુલ્લા કરવા NDRFની વધુ મદદ, હાઇવેની સ્થિતિ જેવી બાબતે તેમણે વિસ્તૃત વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર અને અધિકારીઓ આ દરમિયાન કંટ્રોલ રુમમાં ઉપસ્થિત રહ્યા હતા.