મુખ્યમંત્રીએ અમદાવાદના પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલની સેન્ટરની મુલાકાત લઈ વરસાદને કારણે શહેરની વર્તમાન સ્થિતીની સંપૂર્ણ વિગતો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત તેમજ વરસાદી વિસ્તારોની સ્થિતિનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે. આ મોનીટરીંગના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલરૂમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત શહેરના વિસ્તારોમાં રાહત અને રેસ્ક્યુ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી એ અમદાવાદના નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર તથા તેમને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી. મહાનગરપાલિકા દ્વારા થતી બચાવ-રાહત કામગીરી, વીજ પુરવઠો, પાણી પુરવઠો, આરોગ્ય સેવાઓની કામગીરી, સીસીટીવી નેટવર્કની મદદથી વોર્ડ વાઈઝ વિસ્તારોનું નિરક્ષણ, કંટ્રોલ સેન્ટર ખાતે દર બે કલાકે વરસાદ સંલગ્ન વિગતોનું અપડેશન સુવિધા વગેરે જાણકારી મેળવી હતી.
અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર લોચન સહેરાએ નગરપાલિકા દ્વારા પ્રી મોનસુન અને પોસ્ટ મોનસુન કામગીરી, કંટ્રોલ સેન્ટર ખાતેથી તેનું નિરીક્ષણ તેમજ ભારે વરસાદની પરિસ્થિતિમાં શહેર ટ્રાફિક પોલીસ તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરીના ભાવી રોડ મેપ વિશે પણ તેમણે માહિતી આપી હતી.
આ મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ તેમજ AMCના પદાધિકારીઓના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.