પ્રધાનમંત્રી આજે વીડિયો કોન્ફરન્સથી વલસાડમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ૦૪:૩૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગથી ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આશરે રૂ.૨૦૦ કરોડ રહ્યો છે. તે અત્યાધુનિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ૨૫૦ બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારના લોકોને વિશ્વ કક્ષાની તૃતીય તબીબી સુવિધાઓ પૂરી પાડશે.

પ્રધાનમંત્રી શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. આશરે રૂ. ૭૦ કરોડના ખર્ચે ૧૫૦ બેડની આ હોસ્પિટલ બનાવવામાં આવશે. તે ઉચ્ચ કક્ષાની સુવિધાઓ અને પશુચિકિત્સકો અને આનુષંગિક કર્મચારીઓની સમર્પિત ટીમથી સજ્જ હશે. આ હોસ્પિટલ પ્રાણીઓની સંભાળ અને જાળવણી માટે પરંપરાગત દવાઓની સાથે સર્વગ્રાહી તબીબી સંભાળ પૂરી પાડશે.

પ્રધાનમંત્રી આ પ્રસંગે મહિલાઓ માટે શ્રીમદ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સેલન્સનો શિલાન્યાસ પણ કરશે. તે રૂ.૪૦ કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવશે. તેમાં મનોરંજન માટેની સુવિધાઓ, આત્મ-વિકાસ સત્રો માટે વર્ગખંડો, આરામના સ્થળો હશે. તે ૭૦૦થી વધુ આદિવાસી મહિલાઓને રોજગાર આપશે અને ત્યારબાદ હજારો અન્ય લોકોને આજીવિકા પૂરી પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *