લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગીલ રોડ સુધીની તિરંગા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં હાજર રહ્યા. મુખ્યમંત્રીએ લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગીલ રોડ સુધીની તિરંગા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સુરતથી “હર ઘર તિરંગા અભિયાનના” થીમ સોંગનું લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મુખ્યમંત્રી તાપી જિલ્લાની મુલાકાતે જશે. વ્યારાના કાનપુરા ખાતે રમતગમત સંકુલના નિર્માણ-કાર્યની સમીક્ષા કરશે. અંદાજે રૂ.૨૮.૬૯ કરોડના ખર્ચે તૈયાર થનારા આ રમત સંકુલનું નિર્માણ કાનપુરામાં આઠ એકરમાં થશે. મુખ્યમંત્રી તાપી જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓની સાથે બેઠક યોજીને તાપી જીલ્લાની સ્થિતિનો તાગ મેળવશે. સરકારની ફ્લેગશીપ યોજનાઓ અંગે સમીક્ષા કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વલસાડની રાજચંદ્ર હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે પણ હાજર રહેશે.
માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે, આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી “આઝાદી કા અમૃત મહોત્સવ” સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ દેશની એકતા, અખંડિતતા અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત” નાં પ્રતિક રાષ્ટ્રીય તિરંગાને ઘરે ઘરે લાહેરાવવાનું આહ્વાન કર્યું છે અને ગુજરાતમાં પણ આ આહ્વાનને વ્યાપક પ્રમાણમાં જીલી લઈને આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન એક કરોડ ઘરો ઉપર તિરંગો લહેરાવવો છે.
સુરત મહાનગરના હર એક નગરજનમાં “હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા”ની રાષ્ટ્રભાવના જગાવવા એક સુંદર આયોજન કર્યું છે તે બદલ સુરત મહાનગરપાલિકાના સૌ સુત્રધારોને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. “હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા” પદયાત્રા પ્રત્યે સુરત વાસીઓમાં ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન પોતાના ઘરે ત્રિરંગો લહેરાવવાનો રાષ્ટ્ર ચેતના સંદેશ પ્રસરાવશે એવો મને વિશ્વાસ છે. આવો સૌ સાથે મળી આઝાદી કા અમૃત મહોત્સવે આપણો ગૌરવવંતો ત્રિરંગો ઘરે ઘરે લહેરાવી માં ભારતીનું ગૌરવ કરીએ અને સાથે મળી સૌ આગળ વધીએ.
આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા, ઉર્જા મંત્રી મુકેશ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, શાશક પક્ષના ડે.મેયર દિનેશ જોધાણી, સાશક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, દંડક વિનોદભાઈ, શહેર પ્રમુખ નિરંજન ઝાંજ્મેરા, સ્ટે.કમિટીના ચેરમેન પરેશ પટેલ સહિત ધારાસભ્ય, નગરપાલિકાનાં હોદ્દેદારો તેમજ પ્રદેશના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.