રાજ્ય સરકાર ૧૭૪૬ ગામોમાં ૫૦,૦૦૦ થી વધુ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં સફળ

ઓમિક્રોન વેવ શરૂ થયાના અમુક મહિનાઓમાં જ ગુજરાતમાં વધુ એક મહામારી ફાટી નિકળી છે. આ વખતે, રાજ્યનું પશુધન લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) વાયરસથી પ્રભાવિત થયું છે. પશુ ચિકિત્સા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વાયરસ આફ્રિકામાં ઉદભવ્યો હતો અને પાકિસ્તાન થઈને ભારતમાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ દરમિયાન અહીં તે ફેલાયો છે. આવા હવામાન દરમિયાન, પ્રાણીઓ વાયરલ રોગો માટે સંવેદનશીલ રહે છે. ​જો કે, એલએસડી રોગ સાધ્ય છે અને જો ચેપના પ્રારંભિક તબક્કામાં સારવાર આપવામાં આવે તો પશુ ઝડપથી સાજા થાય છે. એલએસડી થયા પછી બીજા કે ત્રીજા દિવસે પશુઓમાં લક્ષણો દેખાવા લાગે છે અને જો તાત્કાલિક સારવાર આપવામાં આવે તો પશુ એક અઠવાડિયામાં સ્વસ્થ થઈ શકે છે. લમ્પી વાયરસની બીમારી અને ગુજરાત મોડલ- એક સફળ આયોજન, સજ્જતા અને યોગ્ય કાર્યવાહીનું ઉદાહરણ છે તેમ કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતુ.

​મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આ રોગચાળાને દૂર કરવા માટે ત્વરિત કામગીરી શરૂ કરીને તેના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં લીધા છે.

અસરગ્રસ્ત ગામોની ૫ કિમીના વિસ્તારમાં પ્રભાવિત થયેલાં પશુઓનું વિનામૂલ્યે વ્યાપક રસીકરણ કરવા મુખ્યમંત્રીશ્રી દ્વારા તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સઘન સર્વેક્ષણ, સારવાર અને રસીકરણ માટે ૨૨૨ વેટરનરી ઓફિસર અને ૭૧૩ પશુધન નિરીક્ષકોની નિમણૂક કરી છે. રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતકો, અનુસ્નાતકો અને શિક્ષકો સહિત કુલ ૧૦૭ સભ્યો જામનગર, દેવભૂમિ-દ્વારકા અને બનાસકાંઠામાં અત્યારે કામગીરી માટે ઉપસ્થિત છે. કચ્છમાં રસીકરણમાં મદદ માટે કામધેનુ યુનિવર્સિટીના ૧૭૫ લોકોને પણ મોકલવામાં આવ્યા છે.

પશુપાલકોને વ્યાપક પ્રમાણમાં અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે મારો વિભાગ અત્યારે ખડેપગે કામગીરી કરી રહ્યો છે. મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ વિભાગે યુદ્ધના ધોરણે પ્રાણીઓનું સમયસર રસીકરણ સુનિશ્ચિત કર્યું છે. અત્યાર સુધીમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૦ લાખ ૬ હજારથી વધુ પશુઓને રસી આપવામાં આવી છે. રસીકરણ માટે ૬ લાખથી વધુ રસીના ડોઝ પણ ઉપલબ્ધ છે. આ વાયરસ અત્યારે ૨૦ જિલ્લામાં ફેલાયો છે અને કચ્છ તેનું કેન્દ્ર છે.


રાજ્ય સરકાર ૧૭૪૬ ગામોમાં ૫૦,૦૦૦ થી વધુ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં સફળ રહી છે. વાયરસના ફેલાવાને અંકુશમાં લેવાના પ્રયાસમાં પશુઓની અવરજવરને રોકવા માટે રાજ્યવ્યાપી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના આઇસોલેશન કેન્દ્રોની મુલાકાત લઇને જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

કચ્છમાં જ ૩૭,૮૪૦ પશુઓને વાયરસની અસર થઈ છે. અહીં અસરગ્રસ્ત પશુઓને અલગ કરવા માટે જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૨૬ આઇસોલેશન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. જિલ્લામાં ૫૮ વેટરનરી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨૬૯ વધારાના મોબાઈલ વેટરનરી ક્લિનિક અને કરુણા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાકીના ૩.૩૦ લાખ પશુઓને આવરી લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દૈનિક ૨૦ હજાર જેટલા પશુઓનું રસીકરણ કરે છે. પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવા માટે ૨૪X7 કોલ સેન્ટર ૧૯૬૨ કાર્યરત છે.
રાજ્ય સરકાર જાગરૂકતા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહી છે જેથી કરીને મોટા પ્રમાણમાં લોકો અને ખાસ કરીને પશુપાલકો આ બાબતે લેવાતા પગલાંઓ અંગે જાગૃત થાય. હું ખેડૂતો પશુપાલકોને જાગ્રત રહેવા અપીલ કરું છું અને તેમને વિનંતિ છે કે સરકારના પ્રયાસોમાં પૂરતો સહયોગ આપે. આપણે સાથે મળીને આ બીમારીને દૂર કરવામાં સફળ રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *