બ્રિટનમાં તાપમાનનો પારો પહેલી વખત ૪૦ ડિગ્રીને પાર ગયો.
સુંદર પહાડીઓ અને ખુશનુમા હવામાન ધરાવતું યુરોપ આજકાલ ભયંકર ગરમીનો સામનો કરી રહ્યું છે. બ્રિટનમાં હવામાન વિભાગે ઈંગ્લેન્ડ અને વેલ્સના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમીની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બ્રિટનના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો પહેલી વખત ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે.
બ્રિટનની આરોગ્ય સુરક્ષા એજન્સીએ દક્ષિણ અને મધ્ય ક્ષેત્રોમાં ગરમીના તીવ્ર અને ત્રીજા સ્તરને જોતાં હેલ્થ એલર્ટ જાહેર કર્યું છે. અધિકારીઓએ ગરમીથી થતી બીમારીઓથી સાવધાન રહેવાની અપીલ કરી છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, જળવાયુ પરિવર્તનના કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તો ફ્રાંસના દક્ષિણ -પશ્ચિમી ગીરોન્દે ક્ષેત્રના જંગલોમાં આગ લાગવાના કારણે તાપમાનમાં ઘણો વધારો થયો છે. આગના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે, અને આસપાસના માર્ગોને બંધ કરી દેવાયા છે.