હવામાન વિભાગ દ્વારા આગામી ૨ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ૨૨૧ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ સાડા આઠ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો જિલ્લાના બારડોલીમાં પોણા સાત ઈંચ વરસાદ પડ્યો હતો. માંડવી અને મહુવામાં પાંચ-પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. તાપી જિલ્લાના વ્યારામાં આઠ ઈંચ વરસાદ નોંધાયો છે, ડોલવણમાં પોણા સાત ઈંચ અને સોનગઢમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના મહેસાણાના સતલાસણામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના દાંતામાં અને અરવલ્લીના ભિલોડામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૩ ઈંચ અને સુત્રાપાડામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બે ઈંચ ભાવનગરના શિહોરમાં પોણા બે ઈંચ, પોરબંદરના રાણાવાવમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જુનાગઢના માણાવદર અને વંથલીમાં તેમજ રાજકોટમાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં કચ્છ જિલ્લાના અંજારમાં એક ઈંચ, ભુજમાં પોણો ઈંચ, અને ભચાઉમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.