અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કથળેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જી.એસ.એફ.સી.પાસેથી ૩૫૦ કરોડની લોન લેવા નિર્ણય કરાયો છે.બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનરોને મળતા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો આપવાનો નિર્ણય કરાતા તિજોરી ઉપર મહિને ૫.૫ કરોડનો આર્થિક બોજ પડશે.કર્મચારીઓ અને પેન્શનરોને મળતુ મોંઘવારી ભથ્થુ હવે વધીને ૩૪ ટકા ઉપર પહોંચ્યુ છે.ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરાશે.
મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ફરજ બજાવતા ૨૫,૭૦૦ જેટલા કર્મચારીઓ ઉપરાંત ૧૩,૭૦૦ જેટલા પેન્શનરોને હાલમાં મળતા ૩૧ ટકા જેટલા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો આપવા નિર્ણય કરાયો છે.તમામ કર્મચારીઓ અને પેન્શનરોને પહેલી જાન્યુઆરી-૨૦૨૨થી મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી સાતમા પગાર પંચ મુજબ મુળ પગારના કુલ ૩૪ ટકા પ્રમાણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવશે.જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત માસના ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થાની ચૂકવણી ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.પહેલો હપ્તો સપ્ટેમ્બર પેઈડ ઈન ઓકટોબર,બીજો હપ્તો ઓકટોબર પેઈડ ઈન નવેમ્બર અને ત્રીજો હપ્તો નવેમ્બર પેઈડ ઈન ડીસેમ્બર પગાર અને પેન્શનમાં ચૂકવવામાં આવશે.
કથળેલી આર્થિક સ્થિતિ અને ૩૫૦ કરોડની લોન લેવામાં આવી રહી છે.આ પરિસ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા નિર્ણય લેવાથી શહેરના વિકાસકામો ઉપર અસર પડશે? એવા સવાલના જવાબમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હીતેશ બારોટે કહયુ,૩૫૦ કરોડની લોન શહેરના વિકાસકામો માટે લેવામાં આવી રહી છે.મોંઘવારી ભથ્થામાં વધારો આપવાથી વિકાસકામો ઉપર અસર નહીં થાય.મોંઘવારી ભથ્થાનો અમલ આપતા અગાઉ મ્યુનિ.ના નાણાં વિભાગ તરફથી પણ નેગેટિવ રીમાર્ક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.